Get Mystery Box with random crypto!

ચોમાસું કેવું નીવડે છે અને તે મુજબ કયો કયો પાક લેવાય તે અંગે ખ | Gujarati grammar & Sahitya by Mitesh sir

ચોમાસું કેવું નીવડે છે અને તે મુજબ કયો કયો પાક લેવાય તે અંગે ખેડૂતો ચાર-પાંચ મહિના પહેલાં કયા આધારોથી જાણી શકે તે ભડલીએ અવનવી સાખી, દોહરા અને ચોપાઈ દ્વારા રજૂ કર્યું. આ ભડલીવાક્યો ઘણે અંશે યથાર્થ નીવડતાં રહ્યાં છે, પરિણામે વર્ષાઋતુ પર જીવનનો આધાર રાખતા ખેડૂતો માટે તે આધારરૂપ માર્ગદર્શક બન્યાં છે. આ વાક્યોમાં ઘણા શબ્દો જૂની ગુજરાતી ભાષાના હોવાને કારણે આજે જરા અજાણ્યા લાગે, માટે અર્થ સહિત અમુક વાક્યો જોઈએ.

વાદળ વાયુ વીજ વરસંત
કડકે ગાજે ઉપલ પડંત
ધનુષ અને પરિવેશે ભાણ
હિમ પડે દશ ગરભ પ્રમાણ.

કારતક-માગશરથી વરસાદનો પિંડ બંધાવા લાગે છે, જેનાં લક્ષણો જાણીને ૧૩૫ દિવસ પછી ચોમાસે કેટલો અને કેવો વરસાદ થાય તેની આગાહી કરી શકાય છે. ઉપરોક્ત ભડલીવાક્યમાં જણાવ્યા પ્રમાણે અનુક્રમે વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશી કડાકા, ઝાકળ પડવું મેઘધનુષ, સૂર્ય ફરતે પરિવેશે લૂંટાળું રચાયું અને હિમ પડવું એ દસ લક્ષણો વરસાદી ગર્ભનાં છે.

કાર્તિક સુદ બારસે દેખ,
માગશર સુદ દશમી તું પેખ,
પોષ સુદ પાંચમ વિચાર,
માગ સુદ સાતમ નિરધાર;
તે દિન જો મેઘો ગાજંત,
ચાર માસ અંબર વરસંત,
ફાગણી પાંચમ, ચૈત્રી ત્રીજ,
વૈશાખી પડવો ગણી લીજ;
એહ દિન જો ગાજે મેહ,
લાભ સવાયો નહિ સંદેહ.

વિક્રમ સંવત મુજબ કારતક સુદ બારશે, માગશર સુદ દશમે, પોષ સુદ પાંચમે અને મહા સુદ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસાના ચારેય માસ અંબર એટલે કે આકાશ વરસે છે. એવી જ રીતે ફાગણની પાંચમે, ચૈત્રની ત્રીજે અને વૈશાખી પડવાના દિવસે જો મેઘગર્જના સંભળાય તો સવાયો લાભ આપતો વરસાદ થાય છે એમાં સંદેહ નહિ.

કારતકથી શરૂ કરી કરીને ભડલીએ દરેક માસનાં વર્ષાસૂચક ચિહ્નો ગણાવ્યાં છે. આ ચિહ્નોમાં પવનનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ફાગણ સુદ પૂનમે કરાતી હોળીની જ્વાળા અવલોકીને પવનના રંગઢંગ જોવાનો રિવાજ બહુ જૂનો છે. પવનના આધારે સુકાળનું કે દુકાળનું સૂચન ભડલીના મતે નીચે મુજબનું છે.

હોળી દિનનો કરો વિચાર,
શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય,
સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પૂરવનો વાય,
કોરો ને કંઈ ભીનો જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ,
એ સમય ન ઊપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય,
પૃથ્વી પર પાણી બહુ જોય;
જો વંટોળો ચારે વાય,
પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.

હોળી પ્રગટાવ્યા બાદ પવન જો તેની અગ્નિજ્વાળાને પશ્ચિમ તરફ વાળે તો ચોમાસું સારું વીતે છે. જ્યારે પવન જો પૂર્વનો હોય તો અમુક દિવસો સાવ કોરા અને કેટલાક દિવસો વરસાદી નીવડે છે. ટૂંકમાં, વર્ષાનું પ્રમાણ બહુ વધુ નહિ તેમ બહુ ઓછું પણ નહિ. દક્ષિણનો વાયુ પશુધનનો નાશ કરી નાખે છે, કેમ કે ઘાસ પેદા થાય એટલો પણ વરસાદ પડતો નથી. હોળીની ઝાળ ચારેબાજુ ઘુમરાય તો ભડલીના કથન મુજબ પ્રજા અને રાજા (રાય) બન્નેના માથે દુઃખ આવી પડે છે. ઉપરાંત હોળી માટે સપ્તાહના અમુક જ દિવસો શુભ છે, જેમ કે ભડલી વાક્ય અનુસાર :

‘હોળી રવિવારી નિવારી કે મંગળવારી હોય,
ચાક ચડાવે મેદિનીને, વિરલા જીવે કોઈ.'

સપ્તાહના વાર પછી તિથિને લગતું ભડલીવાક્ય જોઈએ.

કાર્તિક સુદ એકાદશી, વાદળી વીજ્ય હોય;
અષાઢે ભડલી કહે, વરખા સારો જાય.

કારતક માસની બરાબર અગિયારસે વાદળમાં જો વીજગર્જના થાય તો આષાઢ મહિને સારો વરસાદ પડે છે. સ્વાભાવિક રીતે જ તે મહિનો ખેડૂતો માટે અગત્યનો મહિનો છે.

ભડલીનાં કેટલાંક વાક્યોમાં તિથિ અને વારની જેમ નક્ષત્રો પણ ખૂબ જ મહત્ત્વનાં ગણાયાં છે. ચંદ્રના અવકાશી ભ્રમણમાર્ગની પશ્ચાદ્ભૂમિકામાં આવતા તારાના વિવિધ સમૂહોને નક્ષત્રો કહેવાય છે, જે પૈકી દરેકને આકાર મુજબ નામ અપાયું છે. પૃથ્વી ફરતે ચંદ્ર ૨૭.૩ દિવસે તેનો એક આંટો પૂરો કરે છે, માટે પશ્ચાદ્ભૂમિકાના તારકપુંજ સમાન નક્ષત્રો ૨૭ માનવામાં આવ્યાં છે. બીજી રીતે કહીએ તો ચંદ્રના ક્રાંતિવૃત્તના ૨૭ ભાગ પાડવામાં આવ્યા છે. અલબત્ત, વરસાદનો આધાર સૂર્ય ૫૨ રહે છે, માટે સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રમાં વરસાદ થાય છે તેને વર્ષાનક્ષત્ર કહે છે. એક નક્ષત્રનું ભ્રમણ કરવામાં સૂર્ય ૧૩ થી ૧૪ દિવસ લે છે. સરેરાશ કાઢીએ તો ૧૩+ ૧૪ + ૨ = ૧૩.૫ X ૨૭ નક્ષત્રો એટલે ૩૬૫.૫
દિવસોનું સૌ૨વર્ષ બને, પણ હકીકતે સૂર્યના ભ્રમણસમયની જરાક લાંબી અવિધને કારણે ભારતીય પંચાંગ મુજબ સૌર વર્ષ ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનું એટલે કે ૩૬૫.૨૪૨૧૯૦ દિવસોનું હોય છે. હવે ભડલીના કથન મુજબ વરસાદ સાથે નક્ષત્રોનો સંબંધ જુઓ :

કૃતિકા કરશે કરવરૂં, રોહિણી કરે સુકાળ;
કર્મયોગે મૃગશર મળે, નિશ્ચય પડે દુકાળ.

શ્રાવણ શુક્લા સપ્તમી, સ્વાતિ ઊગે સૂર;
પર્વત કોરી ઘર કરો, પાદર વહેશે પૂર.

પહેલો વરસાદ કૃત્તિકા નક્ષત્રમાં પડે તો વર્ષ કરવવું એટલે કે ઓછી વર્ષાવાળું જાય છે. જ્યારે નક્ષત્ર જો રોહિણી હોય તો ખેતરોમાં સારું ધાન્ય પાકે છે. બીજી તરફ મૃગશીર્ષ નક્ષત્રમાં મેઘ ગાજે તો દુકાળ પડવો નક્કી સમજવો. ભડલીના મતે શ્રાવણ માસની સાતમે સૂર્ય (સૂર) જો સ્વાતિ નક્ષત્રમાં હોય તો ઘર પર્વતીય ઊંચાણે હોવું ઉત્તમ છે.