Get Mystery Box with random crypto!

ચંદ્રના અવકાશી ભ્રમણ માર્ગની પશ્ચાદ ભૂમિકામાં આવતા તારાઓના વિવ | Gujarati grammar & Sahitya by Mitesh sir

ચંદ્રના અવકાશી ભ્રમણ માર્ગની પશ્ચાદ ભૂમિકામાં આવતા તારાઓના વિવિધ સમૂહોને નક્ષત્રો કહેવાય છે. (આ યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે.) જેમાં દરેકને આકાર મુજબ નામ અપાયાં છે. પૃથ્વી ફરતે ચંદ્ર 27.3 દિવસે તેનો એક આંટો પૂરો કરે છે. તેથી 27 નક્ષત્રોથી ચંદ્રના ક્રાંતિવૃત્તના 27 ભાગ પાડવામાં આવ્યા છે.

હવે જરા નક્ષત્રોનાં નામ પણ જાણી લ્યો. (ગૂગલને કદી તમે આવું કાંઈ ક્યાં પૂછો છો?) અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત (હાથિયો), ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વ અષાઢા, ઉત્તરા અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. આ આપણાં નક્ષત્રો જેમાં દરેકની એક રાશિ છે, વૃક્ષ છે, તેના દેવતા પણ છે. આપણે કયા નક્ષત્રમાં જન્મ્યાં છીએ તેને આ બધાં સાથે ગુઢ સંબંધ છે, પણ એ વાતો બીજીવાર કરીશું.

અંગ્રેજી લોકબોલીમાં પણ વરસાદનો વરતારો ક્યાંક સચવાયેલો છે. ‘વેન વિન્ડોઝ વોન્ટ ઓપન, એન્ડ સોલ્ટ ક્લોગ્સ ધ શેકર. ધ વેધર વીલ ફેવર, ધ અમ્બ્રેલા મેકર.’ (જ્યારે બારી જલ્દીથી ખોલી શકાય નહીં, શીશીમાં ભરેલું મીઠું ભભરાવી શકાય નહીં, ત્યારે વરસાદ આવવાની વકી છે. તેથી છત્રી બનાવતા કારીગરો ખાટી જાય છે.) અંગ્રેજી સાહિત્યમાં પણ આવું ઘણું પડ્યું છે. ભડલી જેવી કોઈ વિદ્વાન સ્ત્રી અગર વિદેશમાં થઈ હોત તો આજે તેનાં પુસ્તકોની લાખો આવૃત્તિઓ હોત. તેનાં નામનાં મ્યુઝિયમ અને રસ્તાઓ હોત. પરંતુ ગુજરાતી પ્રજા તેના પુરાતન ઇતિહાસ માટે કેટલાક અંશે ઉદાસ છે. તેથી જ આપણી પાસે ભડલી વાક્યો પર બહુ સંશોધન થયાં નથી.

ભરતભાઈ ખેની નોંધે છે કે વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર પાસે 93 જેટલાં ભડલી વાક્યોની હસ્તપ્રતો પ્રાપ્ય છે. શું ભડલી વાક્યોને આજના સાયન્સ સાથે મૂલવી શકાય? હોળીની ઝાળ પરથી વરસ કેવું જશે? ચકલી ધૂળમાં ન્હાય અને ઈંડાંવાળી કીડીઓ દેખાય તો શું થાશે? ભડલી વાક્યોનાં આવાં સસ્પેન્સભર્યાં રોચક તથ્યો જાણવા છે? તો આવતા બુધવાર સુધી રાહ જોવી પડશે. રસના ધોયા ના હોય વ્હાલા! વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.

‘ભડલી તો એમ જ ભણે' – ભડલીવાક્યો વિશે
ભરત ખેની

ઇન્ડિયા મિટિઓરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ/IMDના નિયામક સર એચ.એફ. બ્લેનફૉર્ડે આજથી લગભગ સવાસો વર્ષ અગાઉ ભારતીય ચોમાસાની સૌપ્રથમ વાર આગાહી કરી તે પહેલાંનો જમાનો જોઈએ. વર્ષાઋતુ કેવી રહેશે તેનું અનુમાન લગાવવા માટે આજે સહાયક બનતાં સાયન્સ-ટેક્નૉલોજી તે સમયમાં ન હતાં. ભારતમાં નહિ તેમ પશ્ચિમના દેશોમાં પણ નહિ. તેથી કુદરતના નિર્દેશાત્મક સંજોગોને તેમજ સજીવોની વર્તણૂકને આગામી વર્ષના સંકેતો ગણીને ધ્યાનમાં લેવામાં આવતી. પશ્ચિમી દેશોમાં જેમ કે બ્રિટન-અમેરિકામાં વર્ષાના આગમન તથા અભાવ વિષે અમુક લોકોક્તિઓ તેમજ ઘણાં પ્રાસ મેળવેલાં વિધાનો છે.

આપણે ત્યાં પણ વર્ષો-વર્તારા માટેનાં ભડલીવાક્યો રીતસર લોકસાહિત્ય સાથે વણાયાં છે. સ્વરૂપે ગદ્યને બદલે પદ્યમાં છે. પણ તે ‘વાક્યો’ તરીકે ઓળખાય છે. ખરું જોતાં તો તે વાક્યો નહિ પણ કાવ્યો છે પણ આપણે ત્યાં ‘ભડલીવાક્યો’ એવો શબ્દપ્રયોગ વધારે જાણીતો બન્યો છે. વાદળ, પવન, વીજળી, ઝાકળ, નક્ષત્ર તથા અમુક સજીવોના રંગ, ઢંગ અને વર્તનને ચોમાસાનાં ચોક્કસ ચિહ્નો ગણીને દરેક ભડલીવાક્ય અતિવૃષ્ટિ, ઇષ્ટવૃષ્ટિ કે અનાવૃષ્ટિને ભાખે છે. આ વાક્યો રચાયાં તેને આજે લગભગ ૯૦૦ વર્ષ થયાં, તે છતાં હજી ગુજરાતના ઘણા ખેડૂતોને તે કંઠસ્થ છે. કોઈ ભડલીવાક્ય રચવા માટે દેખીતી રીતે વિજ્ઞાનનો સહારો લેવાયો નથી. છતાં અમુક વાક્યોને નમૂના તરીકે સામે રાખીને વિજ્ઞાનના સંદર્ભે તેમનો ખુલાસો આપી શકાય તેમ છે.

ભડલીનાં કાવ્યમય વિધાનોની વાત કરતાં પહેલાં એટલું જાણવું યોગ્ય છે કે ભડલી સંવત ૧૨૦૦ના અરસાના સુપ્રસિદ્ધ જ્યોતિષ હુદડ / દૂદડની દીકરી હતી. આ જોષી સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડમાં રહેતા હતા. સંતાનોમાં તેને ફક્ત પુત્રી જ હતી જેને જ્યોતિષ વિદ્વાન હુદડે પોતાની વિદ્યા શીખવી હતી. હુદડ જાણતલ જ્યોતિષ ખરા, પણ તેનો મોટાભાગનો સમય ઘેટાં-બકરાં પાળવામાં વીતતો હતો. ખેતર, પહાડ, ચરિયાણ તેમજ પહાડોની ગાળીઓમાં અને પર્યાવરણની વચ્ચે રહીને તેણે નિસર્ગ સાથે અહર્નિશ મૈત્રી સાધી. પ્રાદેશિક વાતાવરણ, તેનાં પાંચ અંગો - પૃથ્વી, વાયુ, તેજ, પાણી અને અગ્નિ ઉપરાંત આકાશી ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ર, વાદળ, વાયુ, ગરમી, ઠંડી, વાર, તિથિ, યોગ, કરણ, ઝાકળ તથા અમુક સજીવોના રંગઢંગ અને વર્તનનું નિરીક્ષણ કરી અને કુદરતી પરિબળો અને પાસાંઓ સાથે આત્મીય સંબંધ બાંધી તથા હવામાનની લીલાના નિયમો અનુભવી અને પછી અભ્યાસપૂર્ણ નિરીક્ષણો તારવ્યાં. અંતે તે સધળું જ્ઞાન પોતાની પ્રિય દીકરી ભડલી સમક્ષ મૂક્યું. જેણે આ જ્ઞાનને કાવ્યબદ્ધ રીતે લોકભાષામાં ઢાળીને રજૂ કર્યું. ભડલીએ ભાખેલાં વાક્યો વરસાદના વર્તારા સંબંધે મહામુલી ભેટ ગણાય છે.