Get Mystery Box with random crypto!

ભડલી વાક્યો. સાંઈ-ફાઈ. સાંઈરામ દવે. ૨૯-૦૬-૨૦૨૨/દિવ્યભાસ્કર સ | Gujarati grammar & Sahitya by Mitesh sir

ભડલી વાક્યો.
સાંઈ-ફાઈ.
સાંઈરામ દવે.
૨૯-૦૬-૨૦૨૨/દિવ્યભાસ્કર સમાચારપત્ર/કળશ પૂર્તિ

હવામાન ખાતાની આગાહીને જાજા ભાગનાં લોકો સિગારેટ પર છાપેલી કેન્સરની જાહેરાતની જેમ ગંભીરતાથી નથી લેતા. ખાતાની આગાહીઓ એટલી બધી વાર જુઠ્ઠી ઠરી છે કે ઘણાંને આખા ખાતા પરથી જ ભરોસો ઊઠી ગયો છે. છેલ્લાં કેટલાંક વરસોથી ગ્લોબલ વોર્મિંગના પાપે ઉનાળામાં માવઠાં પડે છે. વર્ષાનું વિજ્ઞાન શું? વર્ષાની આગાહીનો વૈજ્ઞાનિક કોણ?

છેલ્લા દસકામાં તો સમગ્ર વિશ્વ ટેક્નિકલ રીતે ખૂબ આગળ વધ્યું. (અને પ્રાકૃતિક રીતે ખૂબ પાછળ ગયું) અદ્યતન વેધર એનાલિસિસનાં સાધનો હવે તો જગતે શોધી કાઢ્યાં છે. એવા સમયે ભારતના કદાચ પહેલા વર્ષાઋતુની આગાહી કરનાર ‘ભડલી’નું નામ તો બધાંને યાદ પણ નહીં હોય. ભડલી વાક્યો લોકજીભે કહેવતોની જેમ આજે પણ સચવાયેલા છે. ગ્રામ્ય ખેડૂતોને આજે પણ ભડલી વાક્યો કંઠસ્થ છે. વરસાદ માટેની ભડલીની આગાહીઓ ખેડૂતો માટે પુરાણ જેવી બની ગઈ છે.

ભડલી વાક્યો સંસ્કૃતના પવિત્ર શ્લોકની જેમ અમરપદને પામ્યાં છે. વરસાદના ચાર-છ મહિના અગાઉ માત્ર પવન-વજળી-મેઘગર્જના કે મેઘધનુષ પરથી આખા વરસમાં વરસાદ કેવો થશે તેની સચોટ આગાહી અને વરતારા આ ભડલી વાક્યોમાં છપાયેલાં છે. મજાની વાત એ છે કે ભડલીએ દુહા-સોરઠા અને ચોપાઈમાં તળપદા શબ્દોથી કાવ્યોમાં જ આગાહી વર્ણવી છે. તેણે વાક્યો લખ્યાં નથી છતાં લોકો તેને ‘ભડલી વાક્યો’ તરીકે જ ઓળખાવે છે.

ભડલી પુરુષ હતો કે સ્ત્રી? ગુજરાત-રાજસ્થાન કે બંગાળ ક્યાંનો રહેવાસી હતો? કયા કાળમાં થઈ ગયો? આ બધા મુદ્દાઓ વિશે બહુ બધા વિવાદો છે. વિદ્વાનો વચ્ચે પણ મત-મતાંતર છે. જેઠાલાલ ત્રિવેદીએ સંપાદિત કરેલું ‘ભડલી વાક્યો’ નામનું નાનકડું પુસ્તક અને ભરતભાઈ ખેનીનો એક લેખ વાંચી મને થયું કે ‘ભડલી તો ભુલાઈ જ ગયા છે!’ ભગવદ્દગોમંડળ ખોળતાં ભડલી વિશે થોડું સમાધાન મળ્યું એ અત્રે ટાંકું છું.

ઈ.સ. 1096થી 1143 સુધી ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું રાજ હતું, જે ગુજરાતનો સુવર્ણકાળ ગણાય. એ કાળમાં હુદડ જોશી નામે એક મહાન જ્યોતિષી થઈ ગયો. (જેનું બીજું નામ ઘાઘ પંડિત પણ હતું.) તે પ્રકૃતિ પ્રેમી હતો. પશુપાલન કરતો અને દિવસ-રાત પહાડો અને નદીઓની ભેખડોમાં પડ્યો રહેતો. વાયુ-વાદળ-વરસાદ અને નક્ષત્રો સાથે તેની મૈત્રી ગાઢ બની. પ્રકૃતિનાં કેટલાંક અણમોલ રહસ્યો તે પામી ગયો.

હુદડ જોશીને એક દીકરી હતી જેનું નામ હતું ‘ભડલી’. પિતાના જ્ઞાનનો વારસો દીકરીએ પચાવ્યો. દીકરી ભડલીએ પિતાનું આખું વર્ષા વિજ્ઞાન એકદમ લોકબોલીમાં ગોઠવ્યું. આજે આશરે 983 વર્ષ પછી પણ એ ભડલીનાં વાક્યો સચોટ અને પ્રેક્ટિકલ છે. દીકરી ભડલીએ પણ પિતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ ઉમેર્યો. આ રીતે નક્ષત્રોનું અગાધ જ્ઞાન એક પિતા-પુત્રી દ્વારા ધરતી પર અવતર્યું.

બીજી એક દંતકથા એવી છે કે, મહારાજા સિદ્ધરાજે જ્યારે રુદ્રમાળ સ્થાપવાનો નિર્ણય કર્યો ત્યારે આ ઘાઘ પંડિત એટલે કે હુદડ જોશીને યોગ્ય મુહૂર્ત અને સ્થળ માટે નિમંત્રણ આપ્યું. હુદડ જોશીએ શેષનાગની ફેણ ઉપર ખીલી લાગે એવી જગ્યા પર મેખ મારવાનું કહ્યું. રાજાએ ખીલી તો મારી પણ સાદા સીધા ગામડિયા જેવા લાગતા હુદડ જોશી પર તેને શંકા ગઈ, જેથી ખીલી શેષનાગ પર જ લાગી છે તે તપાસવા રાજાએ ખીલી પાછી ખેંચી અને જમીનમાંથી લોહીની ધાર થઈ.

દંતકથા તો એવું કહે છે કે એ લોહી શેષનાગનું જ હતું. રાજાએ ફરી ખીલી લગાવી ત્યાં શેષનાગે મોં ફેરવી લીધું. મુહૂર્ત ચાલ્યું ગયું. પરિણામે રુદ્રમાળ પણ અવિચળ ન રહ્યો અને સિદ્ધરાજ ગુજરાતનો અંતિમ હિંદુ સમ્રાટ બન્યો.

આ કથા સાથે સહમત થવું ન થવું એ વિવેક શ્રોતાઓ પર છોડું છું. પરંતુ લોકકથાઓ કાંઈ બૌદ્ધિકોની લેબોરેટરીમાંથી બહાર નથી પડતી; કે ના એ કોઈ વિદ્વાનોના સર્ટિફિકેટની મોહતાજ હોય. કહેવતો-રૂઢિપ્રયોગો-લોકગીતો-જોડકણાંઓ કે લોકકથાઓ તો ઝરણાની જેમ વહે છે. તમે એ ઝરણામાં ભીંજાઓ છો કે કોરા રહો તેને કશો ફર્ક નથી પડતો. એ જ કારણથી આજે 983 વર્ષ પછી પણ વડીલો પાસેથી ભડલી વાક્યો સંભળાય છે કે:

‘જો વરસે આદરા,
તો બારે માસ પાધરા!'

અર્થાત આર્દ્રા નક્ષત્રમાં જો વરસાદ આવે તો બારેમાસ પાધરા એટલે આખું વરસ સારું જશે.

‘જો વરસે ઉત્તરા,
તો ધાન ન ખાઈ કૂતરા,
જો વરસે મઘા,
તો થાય ધાનના ઢગા,
જો વરસે પૂર્વા,
તો લોક બેસે ઝૂરવા,
જો વરસે હસ્ત,
તો પાકે અઢારે વસ્ત,
હાથિયો વરસે હાર,
તો આખું વરસ પાર,
જો વરસે હાથિયો,
તો મોતીએ પુરાય સાથીયો.’

હવે ઉપરનાં ભડલી વાક્યો ઉકેલવા માટે નક્ષત્રો સમજવા જરૂરી છે. કેટલાક સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા મારા યુવાન મિત્રો તો નક્ષત્રનાં નામ પણ ભૂલી ગયા હશે. ચાલો જરા ખગોળશાસ્ત્ર મેં ગોળ ગોળ ફરકે આતે હૈ.