Get Mystery Box with random crypto!

કેમ કે ગામમાં અને પાદર સુધી જળબંબોળ થાય છે અને પૂર આવે છે. નક્ | Gujarati grammar & Sahitya by Mitesh sir

કેમ કે ગામમાં અને પાદર સુધી જળબંબોળ થાય છે અને પૂર આવે છે. નક્ષત્રોના અનુસંધાનમાં બીજી આગાહી

અશ્વિની ગળતાં અન્નનો નાશ, રૈવતી ગળતાં નવ જળ આશ;
ભરણી નાશ તૃણનો સહી, વરસે જો કદી કૃત્તિકા નહીં.

અશ્વિની નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે અન્નનો નાશ થાય અને રેવતી નક્ષત્રમાં વરસાદ પડે તો પાણીની આશા રાખવી નહિ. ભરણી નક્ષત્રમાં પડેલો વરસાદ ઘાસનો નાશ કરે, છતાં એટલું ખરું કે કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આવાં બધાં ખરાબ પરિણામો મળે છે. ધારો કે કૃતિકા નક્ષત્રમાં છાંટા થાય તો અશ્વિની, રેવતી અને ભરણી એ ત્રણેય નક્ષત્રોના દોષ મટી જાય છે.

અંતે એવું ભડલીવાક્ય કે જે વરસાદની આગાહી માટેનો આધાર ગણાતા ઘણા બધા સંકેતોને આલેખે છે. પક્ષી, કીટક, પ્રાણી, ધાતુ, ખાદ્ય ચીજો વગેરેને એક જ વાક્યમાં આવરી લે છે. અહીં પણ કેટલાક શબ્દો જૂની ગુજરાતીના છે. જુઓ :

જળચર જળ ઉપર ભમે, ગોનભ ભણી જોવંત;
ભડલી તો એમ જ ભણે, જળઘર જલ મેલંત. (ક)

પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;
ભડલી તો તું જાણજે, જળઘર આવે સોય. (ખ)

હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ ધૂળે ન્હાય;
ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય. (ગ)

પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;
ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ. (ઘ)

બોલે મોર મહાતુરો, હોય ખાટી છાશ;
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ. (ચ)

સરોવર-નદીની સપાટી પર જળચરો આમતેમ ભમવા માંડે, ગાયો આકાશ ભણી તાકી રહે એ ભડલીના મતે તુરતમાં વરસાદ પડવાની નિશાની છે. (ક). પિત્તળ, કાંચા અને લોખંડને કાળાશ (કાટ કે મેલ) ચડે ત્યારે પણ જાણવું કે મેઘવર્ષા થવાને બહુ વાર નથી. (ખ). કળશિયાનું પાણી સહેજ ગરમ જણાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાંવાળી કીડીઓ દેખાય એ મુશળધાર હેલી થવાનાં ચિહ્નો છે. (ગ). પવન લગભગ પડી જાય, તેતર પક્ષી ચીસો નાખે અને ગોળ રસીને (ઓગળીને) ચીકણો (નેહ) બને તે દિવસે ભડલીના મતે વરસાદ થવો જોઈએ. (ઘ). મોર વારંવાર બોલે અને છાશ ખટાશ પકડે ત્યારે પણ આશા રાખી શકાય કે મહી (પૃથ્વી) પર વરસાદ પડવાનો છે. (ચ).

આમ, પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની સ્થિતિ સંબંધે થતાં અનુભવ-સિદ્ધ અનુમાનો કે વરતારાને આપણે ‘ભડલીવાક્ય’ તરીકે ઓળખીએ છીએ. વર્ષાઋતુની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાક્યો ખેડૂતોને ઘણાં ઉપયોગી થતાં હોવાથી એમને ‘ખેડૂતોનું પુરાણ’ પણ કહેવામાં આવે છે. આ ભડલીવાક્યોમાંથી કેટલાંક સમય જતાં પાછળથી કહેવતરૂપ બની ગયા છે જેમ કે :

જો વરસે આદરા, તો બારે પાધરા.

* **
જો વરસે મઘા, તો ધાનના ઢગા.

* * *

જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો.
વગેરે...

ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાક્યો વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે.

આજથી લગભગ ૯૦૦ વર્ષ અગાઉ હુદડ જોષીની દીકરી ભડલીએ કાવ્ય રૂપે રચેલાં આવાં વાક્યો ફક્ત ગુજરાતમાં જ નહિ પણ ભાષાકીય ફેરફારો સાથે રાજસ્થાનના અને પંજાબના લોકસાહિત્યનું પણ અંગ બન્યાં છે. વિજ્ઞાન સાથે તેમનો કેવી રીતે અને કેટલા અંશે મેળ બેસે છે તે અંગે દુર્ભાગ્યે આપણે ત્યાં ચીવટપૂર્વકનું સંશોધન થયું નથી, માટે લોકસાહિત્યનાં આવાં મહામૂલાં વાક્યો લોકસાહિત્યમાં જ રહ્યાં છે. વિજ્ઞાનમાં તેમને પ્રવેશ મળ્યો નથી. હવામાનની આગાહી કરવા માટેનાં એકેય ઉપકરણો નહોતાં ત્યારે આપણા ખેડૂતો ભડલીવાક્યોના આધારે વરસાદનો આગોતરો વર્તારો તારવતા આવ્યા છે. આ લાંબા સમયગાળા દરમિયાન ભડલીવાક્યો ફક્ત નરી વાયકામાં નથી ખપી ગયાં એ બતાવે છે. અને એકંદરે તે ખેડૂતોને માટે આધારભૂત જણાતાં આવ્યાં છે.

પાદટીપ

૧. When windows won't open
And salt clogs the shakar.
The weather will favour
the Umbrella Maker.
જ્યારે બારી જલ્દીથી ખોલી શકાય નહિ, શીશીમાં ભરેલું મીઠું ભભરાવી શકાય નહિ. ત્યારે ભેજને કારણે વરસાદ આવવાની વકી છે તેથી છત્રી બનાવતા કારીગરો ખાટી જાય છે.

૨. ઉપલ = સંસ્કૃતમાં રત્ન પણ અહીં તે શબ્દ મોતી જેવા ઝાંકળબિંદુઓ માટે વપરાયો છે.

૩. પેખ = દેખ; દેખવું, જોવું, અવલોકવું.

૪. ગણી લીજ = ગણી લેજે.

૫. મેદિની = પૃથ્વી.

૬. વીય = વીજળી સાથેની મેઘગર્જના, ગાજવીજ.

૭. વરખા = વરસાદ, વર્ષા.

સંદર્ભગ્રંથો

૧. ‘સફારી’ અંક નં. ૨૨૯, જૂન ૨૦૧૩

૨. ‘ભગવદ્ગોમંડલ’, ભાગ-૭(બ-મા), ભગવતસિંહજી, પ્રવીણ પ્રકાશન, રાજકોટ ૩. ‘બૃહદ્ ગુજરાતી કોશ’, ખંડ-૨, સં. કે. કા. શાસ્ત્રી, પૃ. ૧૭૫૩

૪. ‘ગુજરાતી સાહિત્યકોશ', ભાગ-૧ (મધ્યકાળ), સં. જયંત કોઠારી વગેરે. ૫. ‘ગુજરાતી વિશ્વકોશ', ખંડ-૧૪ (બો-ન્નુ), ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩.