Get Mystery Box with random crypto!

આ બધાં સર્જક તત્વોનાં કારણે ૧૮૯૬થી ૧૮૯૮ સુધીમાં તેમણે સર્જેલાં | Gujarati grammar & Sahitya by Mitesh sir

આ બધાં સર્જક તત્વોનાં કારણે ૧૮૯૬થી ૧૮૯૮ સુધીમાં તેમણે સર્જેલાં સાહિત્યનું ૭૦% સર્જન આ ગાળા દરમ્યાન થયેલું નોંધાયું છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાનાં સુખ અને દુ:ખમાં સાથે રહ્યા. તેમની પ્રજા વત્સલતા “ગ્રામ્ય માતા” કાવ્યમાં ઉભરી આવે છે.

આવાં ઋજુ હ્રદયનાં રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતાં જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હ્રદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબાને એ સંબંધો ક્યાંથી મંજુર હોય? એ પતિને સ્પષ્ટ કહી દે છે કે, શોભનાનો હાથ છોડી દો પરંતુ સુરસિંહજીનો જવાબ હતો: “ હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય કોઈનો હાથ પકડતો નથી.”

રમાં, મારાં પ્રેમનો પડઘો હવે શોભનાજ ઝીલી શકે તેમ છે, હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવાં હું તેની સાથે લગ્ન કરીશ.” રમાબા માટે આ વાત અકલ્પનીય હતી. તેમણે કહ્યું: એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન થવાં નહી દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે….ના, એ નહી બને”. રમાબા સુરસિંહજી ને રામ તરીકે જ સંબોધતાં. કવિ હ્રદય જખ્માયું, અને સરી પડ્યાં આ શબ્દો: “ તુને ન ચાહું, ન બન્યું કદી એ, તેને ન ચાહું, ન બને કદી એ; ચાહું છું તો ચાહીશ બેયને હું, ચાહું નહિ તો નવ કોઈને હું;”

રમાબા પર જાણે વીજળી પડી. પિયરથી રાજ ખટપટ શીખીને આવેલાં રમાબાએ મનમાં કંઈક ગાંઠ બાંધી. સુરસિંહજી મહાબળેશ્વર ગયાં કે તેમણે રોહાથી રામજી ખવાસને બોલાવી શોભનાને તેની સાથે પરણાવી દીધી અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી. સુરસિંહજી ચીસ પાડી ઉઠ્યા: “રમાં, તમે આ શું કર્યું?” પણ, પંખીની ઉપર પત્થર ફેંકાઈ ગયો હતો! ભગ્ન હૃદયનાં કલાપીની કલમેથી આંસુ ઝરતી રચનાં સરી પડે છે: “તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયાં મહી તો ! રે રે ! શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે;”

શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર અસહ્ય બોજ સાથે કવિનો કાવ્ય વિલાપ વધી ગયો. હવે જોવાં મળે છે, પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી! વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી ! સત્ય સ્વીકારવાથી પ્રેમની ઉપાસનાં ઉપનિષદ બની જાય છે, એવું સ્વીકારી, સમાધાન શોધતાં કલાપી ! કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે. “અરે, આ ઈશ્ક કરવાથી અમારે હાથ શું આવ્યું ?” અને :

“દુ:ખી દિલદર્દને ગાતાં, જિગરની આહ માં લ્હાતા , ફના ઈશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો ! ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના ! હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !

બસ, પછી તો પ્રજાનાં દુ:ખો સાંભળે અને પોતાનાં દુ:ખો કવિતામાં ઉતારે. એક જ સંકલ્પ કે બીજાને ટાઢક આપવાં બરફની જેમ ઓગળી જવું. પ્રણયની વેદનામાંથી “પ્રવીણ સાગર” પ્રગટે અને “કેકારવ” પણ ગુંજે.

૧૮૯૬-૯૭નો સમય. ભાવનગરનાં જીવણલાલની પ્રેસમાં તેમનાં કાવ્ય સંગ્રહ છાપવાં માટે કવિનાં ખાસ મિત્ર બાલુ બધાં કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુંને જ સોંપે છે. પહેલું સુચન: બાપુ, સંગ્રહનું નામ “મધુકરનો ગુંજારવ” રાખીએ તો? કવિ જવાબ આપે છે: બાલુ, પણ આમાં હ્રદયનો ગુંજારવ ક્યાં છે? અન્ય એક મિત્ર એ સૂચન કર્યું કે, બાપુ, તમારું તખલ્લુસ “કલાપી” રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ “કલાપીનો કેકારવ” બસ, ત્યારથી, લાઠીના એ રાજવી કવિ “કલાપી” તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવાં લાગ્યા.

પણ …પણ હજુ ઈતિહાસ કરવટ બદલવાં થનગની રહ્યો હતો. શોભનાનાં વિરહનાં અગ્નિમાં શેકાઈ રહેલાં કલાપી ફિલોસોફી, વેદાંત, ઈશ્વર, પ્રભુ વિરહ, પ્રભુ સ્મરણનાં આનંદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા પરોવવાનાં પ્રયાસ કરી રહ્યા હતાં ત્યાં સાસરે પતિનો માર ખાતી અને અત્યંત દુ:ખી શોભનાનો પત્ર આવે છે: “મને નરકાગાર માંથી છોડાવો” પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે: “હું શોભનાને દુ:ખી થવા નહી દઉં, હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ.” કલાપીનાં આ નિર્ણયથી રાણીવાસ સહીત દરબારગઢ હચમચી ગયો.

રમાબાનો તેમને સાથ નહોતો પણ કુશળ કારભારી તાત્યા સાહેબ તેમની સાથે રહ્યા. ૧૮૯૮માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરાં ફરે છે. કાકા જશવંતસિંહ આશીર્વાદ આપવાં હાજર હતાં. કવિ કાન્તને પત્ર લખીને કલાપી જણાવે છે કે, દર્દ વધતાં મારે આ સાહસ કરવું જ પડ્યું છે.

રમાબાને આઘાતમાંથી કળ વળી એટલે તેમનાં અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા આદેશ આપે છે પણ, ઘણી ખટપટ પછી પણ તેમનાં હાથ હેઠા પડે છે. અહીં કલાપી જે બન્યું તેનાથી ખૂબ જ ખૂશ હતાં. લગ્નથી પણ સંતુષ્ટ.