Get Mystery Box with random crypto!

માત્ર ત્રણ મહિનામાં મોંઘીએ આ બધું આત્મસાત કરી લીધું. બસ પછી તો | Gujarati grammar & Sahitya by Mitesh sir

માત્ર ત્રણ મહિનામાં મોંઘીએ આ બધું આત્મસાત કરી લીધું. બસ પછી તો એ યાત્રા આગળ ને આગળ ધપતી રહી અને ૧૮૯૨ સુધીમાં તો મોંઘી સૂરસિંહજીનાં સાહિત્યનું સૌંદર્ય બનવાં લાગી હતી, જોકે આ વર્ષોમાં કવિ એ જે પ્રેમ કાવ્યો લખ્યાં તેનાં કેન્દ્રમાં સ્નેહરાગીણી રાણી રમાબા જ હતાં. તેમના જ શબ્દોઃ

“રમાં હું તમને ખૂબ ચાહું છું. તમારાં આગમન પછી મારાં દિલનાં બે ભાગ થઇ ગયાં છે. એ સાંભળીને રમાબા ચોંકી જાય છે. બે ભાગ? એવાં તેમનાં સવાલનાં જવાબમાં સૂરસિંહજી કહે છે કે, રમાં ચોંકો નહી, એક ભાગ સાહિત્યનો અને બીજો તમારો.”

પણ, પટરાણી તો આનંદીબા જ ને? રમાબા અંદર ઉછળી રહેલાં રાજ મોહને તક મળતાં સપાટી પર લાવવાનું ચૂક્યાં નહી. સુરસિંહજી તેમને સમજાવે છે કે, રમાં, છોડો આ રાજ ખટપટ, મને આ બધું નથી ફાવતું:

“તમારાં રાજ્દ્વારોનાં ખૂની ભભકા નથી ગમતાં, મતલબની મુરવ્વત જ્યાં ખુશામતનાં ખજાના ત્યાં;”

“રમાં, માત્ર પૂર્ણ પ્રેમ હોય તો બધું જ શક્ય બને છે. આપણે માત્ર પ્રેમ યોગી બનીએ. વડવાઓના હાથબળે મેળવેલી રાજગાદી કરતાં મારાં સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતાં હજાર દરજ્જે ઉત્તમ અને સુખદ છે. જ્ઞાન જ આપણને આનંદ અને મુક્તિ આપી શકશે.” રાજા પ્રેમ ઘેલો અને જ્ઞાન પિપાસુ હતો જયારે રાણી રાજ પિપાસુ.

રાજાને માત્ર પ્રેમ અને સત્ય નિતરતો પ્રેમ જ જોઈતો હતો, અને રાણી રમાબા એ સમજી જ ના શક્યાં અથવા તો પોતે સેવેલાં રાજ્સ્વાર્થની સાધનામાં વ્યસ્ત રહીને સુરસિંહજી મારાં સિવાય જશે ક્યાં એવા ભ્રમમાં રાચતાં રહ્યા. જયારે રમાબાએ પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા બનવાનાં ઓરતાં જાગ્યા ! તેઓ ગમે તેમ કરીને સુરસિંહજી અને લાઠી રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઇચ્છતાં હતાં. સુરસિંહજી તેમને માત્ર પ્રેમ યોગી બનવાં સમજાવતાં હતાં, પણ રમાબા હ્રદયથી નહીં બુદ્ધિથી કામ કરતાં હતાં અને તેમનાં નસીબ જોગે આનંદીબાએ ત્રણ મહિનાં પછી કુંવર જોરાવરસિંહને જન્મ આપ્યો. રિવાજ એવો હતો કે જે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને. તેથી હવે રમાબા રાજ ખટપટમાં વધુ રસ લેવાં લાગ્યાં.

“મોંઘી યુવાનીમાં પ્રવેશી. ૧૮૯૩-૯૪ નું વર્ષ. મોંઘીનાં મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સુરસિંહજી ખૂબ જ પ્રભાવિત થયાં અને કહ્યું: “ આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના, હા,શોભના. શોભના, મેં તને જેમ વાંચી છે, તેમ હવે તું મને વાંચ. તને મેં માટી માંથી પિંડ અને પિંડ માંથી પૂતળી બનાવી, હવે તું બની મારી શોભના!” એ સાથે ઠાકોર સાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રણય ભાવમાં પલટાય છે અને રાગનું પાત્ર બને છે શોભના ને, સર્જાય છે “પ્રણય ત્રિકોણ”. સૂરસિંહજી ગાઈ ઉઠે છે:

“મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી, એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો !, એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે ! તે કોઈ માશૂકને મુખે છે? એજ પૂછે બાવરો !”

આમ ૧૮૯૨થી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે. તેમાં પણ એજ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહારનો પ્રારંભ થતાં તેમનાં સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે. ધીરેધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે. મણીલાલ નભુભાઈ દ્વિવેદી, તેમને તો તેઓ તેમનાં જ્ઞાનગુરૂ માનતાં હતાં. તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્ત અને જટિલ તેમ જ બાલુનો સમાવેશ જોવા મળે છે.

તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપીયર, મિલ્ટન, ગટે જેવા લેખકોને પણ ભરપુર વાંચ્યાં. અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમનાં સર્જન પર પડેલી જોવાં નથી મળતી. અલબત, તેમાંથી પ્રેરણા મેળવીને “માળા અને મુદ્રિકા” અને “નારી હ્રદય” જેવી નવલકથાઓ લખી. પરંતુ તેમનાં સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું. અને તેમણે માત્ર ૨૬ વર્ષનાં આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ એટલે અંદાજે ૧૫૦૦૦ પંક્તિઓ, ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યાં.

૨૧ વર્ષની ઉંમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપાયું અને આપણાં કલાપી લાઠીનાં રાજા બન્યાં. અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોપતાં પહેલાં રાજાએ છ મહિનાં સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો. સૂરસિંહજી માટે તો એ અત્યંત આશીર્વાદ સમાન સાબિત થયું. દેશના વિવિધ વિસ્તારોની માટીની સુગંધ, કાશ્મીર જેવા રમણીય પ્રદેશોમાં પ્રકૃતિનું પયપાન અને પત્ની રમાબાનો વિયોગ, આ ત્રણેય તત્વોને કારણે રોમાંચિત અને વ્યથિત સૂરસિંહજીએ પ્રવાસ દરમ્યાન ગુરૂને, મિત્રોને અને પત્નીને લખેલાં પત્રો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની રહ્યા છે.

૧૮૯૪થી તેમની સર્જક મુદ્રા ઉપસે છે. ઊર્મિ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુથી રસપ્રચૂર તેમનું સાહિત્ય સર્જન વિશ્વ ઐક્યનાં દર્શન કરાવે છે. ૧૮૯૬માં તેઓ કવિ કાન્તનાં સંપર્કમાં આવે છે.